એક યુવાને તેના પિતાને પૂછ્યું, “તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા? ટેક્નોલોજી ન હતી, કાર કે પ્લેન નહીં, ઈન્ટરનેટ નહોતું, કોમ્પ્યુટર નહોતું, મોલ નહોતાં, કલર ટીવી નહોતું, મલ્ટિપ્લેક્સ સિનેમા નહોતાં, મોબાઈલ ફોન નહોતાં, સારી હોટેલો અને રેસ્ટોરન્ટ નહોતાં, સારા કપડા નહોતાં અને હિલ સ્ટેશન પર ફરવા જવાનું પણ નહોતું.”
તેના પિતાએ હસીને જવાબ આપ્યો, “તમારી પેઢી આજે કેવી રીતે જીવે છે? અમને એ જ આશ્ચર્ય થાય છે. કોઈ પ્રાર્થના નથી, કરુણા નથી, સન્માન નથી, મોટો પરિવાર નથી, શરમ નથી, નમ્રતા નથી, રમતગમત નથી, વાંચન નથી, ખેતીકામ નથી, ગુરુ પ્રત્યે આદર નથી.”
પિતા આગળ કહે, “અમે 1950-1980 ની વચ્ચે જન્મેલા આશીર્વાદિત લોકો છીએ. અમે જીવંત નવલકથા છીએ! રમતી વખતે અને સાઇકલ ચલાવતી વખતે અમે ક્યારેય હેલ્મેટ પહેરતા ન હતા. શાળા પછી અમે સાંજ સુધી રમતા, ક્યારેય ટીવી જોતા નહીં. અમે સાચા મિત્રો સાથે રમતા, ઈન્ટરનેટના વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે નહીં. જો અમને ક્યારેય તરસ લાગે તો અમે નળનું પાણી પીતા, બોટલનું પાણી નહીં. અમે ચાર મિત્રો સાથે એક જ ગ્લાસમાં શરબત પીતા હોવા છતાં ક્યારેય બીમાર થયા નથી. અમારું વજન ક્યારેય વધ્યું નહીં, કારણ કે અમે રોજ ઘરનું બનાવેલું ભોજન ખાતા. માતા-પિતાએ અમને પ્રેમ અને સંસ્કાર આપ્યા, દુન્યવી ભૌતિક સાધન સામગ્રી નહીં.
અમારી પાસે ક્યારેય સેલફોન, ડીવીડી, પ્લે સ્ટેશન, એક્સબોક્સ, વિડીયો ગેમ્સ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ ચેટ નહોતાં. પણ અમારે સાચા મિત્રો હતા, જે અમારા માટે નેટવર્કનું કામ કરતા. અમે અમારા મિત્રોના ઘરની બિનઆમંત્રિત મુલાકાત લીધી અને તેમની સાથે ભોજનનો આનંદ માણ્યો. તમારી દુનિયાથી વિપરીત, અમારે નજીકમાં રહેતા સંબંધીઓ હતા, જેથી કુટુંબનો સમય અને સંબંધો એક સાથે માણવામાં આવ્યા. મામા, માસી અને ફઈનો પ્રેમ જોવા માટે તમારે એક પેઢી આગળ જન્મ લેવાની જરૂર હતી.
અમે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા, પણ તમને એ ફોટામાં રંગીન યાદો જોવા મળશે. હવે અમે તમારા માટે કલર ઝેરોક્સ છીએ. અમે એક અનોખી અને સૌથી વધુ સમજદાર પેઢી છીએ, કારણ કે અમે એવી છેલ્લી પેઢી છીએ જેમણે તેમના માતા-પિતાનું નત મસ્તકે સાંભળ્યું છે. ઉપરાંત, એવી પ્રથમ પેઢી છીએ જે પોતાના બાળકો પાસેથી પણ સાંભળવાનું શીખી છે. હજી પણ બાળકો ઘઘલાવે છે, પણ અમે સાંભળી લઈએ છીએ.
અમે હજી પણ વધુ સ્માર્ટ છીએ અને તમને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ જે અમારે ઉંમરમાં અસ્તિત્વમાં જ નહોતી. તેથી તમારા માટે એ વધુ સારું છે કે અમે આ પૃથ્વી અને તમારા જીવનમાંથી અદૃશ્ય થઈએ તે પહેલાં, તમે અમારાથી આનંદ લો. અમારાથી શીખો, કારણ કે અમે હરતી ફરતી યુનિવર્સિટી છીએ.
આમ જોવાનું જાય તો અમે એક અનલિમિટેડ ડીશ છીએ. તમે ધરાઈ જશો. જો પચાવી શકો તો અમને માણો.