Latest Posts 📌

    માનવજીવનનું મૂલ્ય શુ 🤔?

    એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, “તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે.” યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે તો વજનિયા તરીકે ઉપયોગ કરીશ. એમણે પથ્થરનો ભાવ પૂછ્યો એટલે છોકરાએ બે આંગળી બતાવી. વેપારીએ મોઢું બગાડીને કહ્યું, “આવા નાના પાણાના તે કંઈ બે રૂપિયા હોતા હશે ?”

    છોકરાએ ઘરે આવીને એના પપ્પાને બધી વાત કરી. પિતાએ આ જ પથ્થર સાથે દીકરાને હવે એન્ટીક વસ્તુઓના વેપારી પાસે મોકલ્યો. છોકરાએ જૂની પૂરાણી વસ્તુઓના વેપારીને પેલો પથ્થર બતાવ્યો એટલે વેપારીએ યુવાનને પથ્થરનો ભાવ પૂછ્યો. યુવાને પોતાની બે આંગળી બતાવી. વેપારીએ કહ્યું, “બે હજાર રૂપિયામાં મને કોઈ વાંધો નથી”

    છોકરાએ ઘરે આવીને બનેલી ઘટના પિતાને સંભળાવી. પિતાજીએ યુવાનને એક ઝવેરી પાસે મોકલ્યો. યુવાને ઝવેરીને પેલો પથ્થર બતાવી તે પથ્થર વેંચવાની ઈચ્છા દર્શાવી. ઝવેરીએ ભાવ પૂછ્યો એટલે યુવાને બે આંગળી બતાવી. ઝવેરીએ એના મુનિમને કહ્યું, “આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને પથ્થર લઇ લો”

    યુવાનને ખૂબ આશ્વર્ય થયું. કોઈને પથ્થર બે રૂપિયામાં પણ મોંઘો લાગ્યો તો કોઈ બે લાખ આપવા તૈયાર થયા. પિતાજીએ કહ્યું,”બેટા, માનવજીવનનું પણ આ પથ્થર જેવું જ છે. કેટલું મૂલ્ય મેળવવું એ દરેકના પોતાના હાથની વાત હોય છે. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો ? તમે અમીર છો કે ગરીબ ? રૂપાળા છો કે કાળા ? આ કોઈ વાતો મહત્વની નથી. સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી જાતને કોની પાસે લઈ જાવ છો.

    મિત્રો, આપણો સંગ આપણું મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. મૂલ્યવાન બનવા માંગતા હોય તો ઝવેરી ના જેવી વિચારસરણી વાળા લોકોનો સંગ આવશ્યક છે.

    Spread the love
    Back To Top
    error: Content is protected !!